ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની તમામ 33 જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણનો બુધવારે આરંભ કરાયો હતો. એક સાથે તમામ જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણ શરૂ કરાવતું ગુજરાત પહેલું રાજય છે. હાઇકોર્ટના પાઇલોટ પ્રોજેક્ટ ગણાતા જીવંત પ્રસારણનું સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જ્યુડિશિયલ ઓફિસર પોર્ટલનું ઉદ્ધઘાટન જસ્ટિસ જે.બી પારડીવાલાએ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુુમારે જણાવ્યું હતુ કે, 1.72 લાખ લોકો હાઇકોર્ટનું નિયમિત જીવંત પ્રસારણ જોઇ રહ્યા છે. દેશની સૌથી પ્રથમ હાઇકોર્ટ એવી છે જેણે હાઇકોર્ટની કાર્યવાહીને પારદર્શક બનાવીને જીવંત પ્રસારણ શરૂ કર્યંુ. તેવી રીતે તમામ જિલ્લા કોર્ટને પણ જીવંત પ્રસારણ સાથે જોડી દીધી છે. તેનાથી હજારો પક્ષકારોને હાઇકોર્ટ કે જિલ્લા કોર્ટ સુધીના ધક્કા નહીં પડે. આ દરમિયાન જસ્ટિસ જે.બી પારડીવાલાએ કહ્યું હતું કે, પરિવર્તન એ જ કાયમ છે. લોકશાહી એ જજીસ કે વકીલોના કારણે નથી પરતું લોકોના કારણે છે.