ગાઝા પટ્ટીમાં ઈઝરાઇલના હવાઈ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે 20 લોકો ઘાયલ થયા છે. હમાસ દ્વારા નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. અહેવાલો અનુસાર, પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદી મૂવમેન્ટના ટોચના 3 કમાન્ડર અને તેમના પરિવારના સભ્યો મૃતકોમાં સામેલ છે.
ઈઝરાઇલની સેનાએ પણ આ ઓપરેશનની પુષ્ટિ કરી છે. એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલો સોમવારે સવારે 2 વાગ્યાની આસપાસ થયો હતો.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ગાઝા પટ્ટીમાં સોમવારે થયેલો હુમલો આશ્ચર્યજનક હુમલો હતો. તેમાં ફાઈટર જેટ સહિત 40 એરક્રાફ્ટ સામેલ હતા. જેમણે થોડીક સેકન્ડમાં ત્રણ જગ્યાએ હુમલો કરવાનો હતો.
એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે ઇઝરાઇલ સંરક્ષણ દળોએ પ્રારંભિક હુમલામાં તેમનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી લીધો હતો. આ અભિયાનને ઓપરેશન 'શિલ્ડ એન્ડ એરો' નામ આપવામાં આવ્યું હતું. દળોનો ઉદ્દેશ્ય માત્ર ટાર્ગેટને હિટ કરવાનો જ નહીં પરંતુ સુરક્ષિત રીતે પરત ફરવાનો પણ હતો. હુમલા પહેલા, વિસ્તારના 40 કિલોમીટરની અંદર રહેતા ઇઝરાઇલીઓને બોમ્બ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા.