શહેરમાં બેકાબૂ વાહનો અકસ્માત સર્જી માનવ જિંદગીનો ભોગ લઇ રહ્યા છે. તેમ છતાં પોલીસ તંત્ર પૂરઝડપે દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર દંડ વસૂલવામાં વ્યસ્ત છે. ત્યારે શહેરમાં જીવલેણ અકસ્માતના વધુ બે બનાવ કોઠારિયા સોલવન્ટ પાસે અને જંક્શન પ્લોટમાં બન્યો છે. જે બંને બનાવમાં બે યુવાનનાં મોત નીપજ્યાં છે.
કોઠારિયા સોલવન્ટ શિવશક્તિ પાર્ક મેઇન રોડ પર રહેતો અનિલ ઉત્તમભાઇ પાટીલ નામનો યુવાન મંગળવારે સવારે રાબેતા મુજબ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાને જવા બાઇક લઇને નીકળ્યો હતો. ત્યારે સોલવન્ટ ફાટક પાસે પહોંચતા પૂરઝડપે ધસી આવેલી ટ્રક બાઇકને ટક્કર મારીને જતો રહ્યો હતો. જેને કારણે અનિલ બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.