શહેરના મવડી પ્લોટ સામે એક અવાવરું મકાનમાં જુગાર ક્લબ ચાલુ હોવાની એલસીબી ઝોન-2ના સ્ટાફને માહિતી મળતા પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે સોમવારે બપોરે મવડી પ્લોટ-4 રેલવે ટ્રેક સામે આવેલા અવાવરું મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા પૂર્વે અવાવરું મકાનને કોર્ડન કરી લીધું હોય કોઇ જુગારીને ભાગવાની તક આપી ન હતી. દરોડા સમયે 18 શખ્સ મળી આવ્યા હતા. જેમાં એક શખ્સ પત્તાં બાટી અંદર બહારનો જુગાર રમાડતો હતો. જ્યારે બાકીના શખ્સો પૈસા લગાડી જુગાર રમતા હતા.
પોલીસે પત્તાં બાટી રહેલા શખ્સની પૂછપરછ કરતા તે લોહાનગર, મવડી ફાટક પાસે રહેતો શ્રવન ઉર્ફે સરવન મુન્ના મકવાણા હોવાનું જણાવ્યું હતું. જ્યારે જુગાર રમતા અલી રાજુ સાદીકોટ, સુરવીરસિંહ કિશોરસિંહ મકવાણા, કૈલાશ કાંતિ અગ્રાવત, સુરેશ બચુ રાઠોડ, અશ્વિન બાબુ મકવાણા, અબ્દુલ કચરા પાયક, કલ્પેશ રમેશ ગણાત્રા, અતુલ પ્રવીણ રાઠોડ, છગન ડાયા ખેતરિયા, પ્રહલાદ રામજી યાદવ, શબ્બીર નુરમામદ કાદરી, શૈલેષ નવિન વિભાપર, રફીક ભીખુ મલેક, મનોજ ખીમજી રાઠોડ, પીયૂષ ધીરૂ રાઠોડ, જયેશ જગદીશ વ્યાસ, ભરત કાંતિ અગ્રાવત અને મોહન રવજી મકવાણાને પકડી રૂ.1,04,300ની રોકડ કબજે કરી છે. જુગાર ક્લબ ગોંડલ રોડ, ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા ઇમ્તિયાઝ વલી સોરાની હોવાનું અને તેને જુગાર રમાડવા માટે ઇમ્તિયાઝ રોજના રૂ.500 આપતો હોવાનું જણાવ્યું છે.