તુર્કી અને સિરિયામાં ભૂકંપને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અત્યારસુધીમાં 22 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. ઘાયલોની સંખ્યા 78 હજારની નજીક પહોંચી ગઈ છે. તુર્કીમાં 19,388 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સિરિયામાં 3,384 લોકોનાં મોત થયાં છે. કુલ મૃત્યુઆંક વધીને 22,772 થઈ ગયો છે.
આ દરમિયાન તુર્કીના પરિવાર અને સામાજિક સેવા મંત્રાલયનું કહેવું છે કે 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી અત્યારસુધીમાં 263 બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે, આમાંથી 18 બાળકના પરિવાર મળી ગયા છે, બાકીનાં બાળકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાં છે. તુર્કીના ભૂકંપ અસરગ્રસ્ત શહેરોમાં બિલ્ડરો વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. તુર્કીના ન્યાયમંત્રી બેકિર બોઝદાગનું કહેવું છે કે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. આમાં જે કોઈની પણ ભૂલ, બેદરકારી કે ખામી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કાયદા સમક્ષ જવાબદાર ઠેરવવામાં આવશે.