રિંગ રોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલા કાલભૈરવ માતાના મંદિર અને દરગાહનું ડિમોલિશન કરવા માટે રાત્રે દોઢ વાગ્યે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને મહિધરપુરા પોલીસ સ્ટેશન સહિત શહેરભરના 800થી 1000 પોલીસ કર્મીઓના ધરખમ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે પોલીસે સુરક્ષાના ધોરણે રીંગ રોડ પર બંને ધાર્મિક સ્થળોની આજુબાજુના 500 મીટરનો માર્ગ બેરીકેટિંગ કરી બંધ કરી દીધો હતો.
પોલીસે 14 જેટલા લોકોની અટકાયત કરી
ડિમોલિશનની આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. લોકોના રોષને જોતાં પોલીસે 14 જેટલા લોકોની અટકાયત કરી હતી. મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં શરૂ કરાયેલા ડિમોલિશન ઓપરેશનને કારણે આ વિસ્તારમાં અજંપા ભરી સર્જાઇ હતી. આ કામગીરીનું મોનીટરીંગ કરવા માટે સ્થળ પર પોલીસ અધિકારી ઉષા રાડાએ જાતે કમાન સંભાળી હતી. જોકે તેમણે ઓપરેશન ડિમોલિશન અંગે કંઈ પણ કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.