તુર્કિયે અને સીરિયામાં સોમવારે આવેલા ભીષણ ભૂકંપનાં કારણે મોતનો આંકડો વધીને હવે 30 હજારથી ઉપર પહોંચી ગયો છે. કાટમાળ હેઠળ દટાયેલા લોકોની સંખ્યાને ધ્યાનમાં લઇને સંયુક્ત રાષ્ટ્રની રાહત એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે, મૃત્યુઆંક 50 હજાર સુધી પહોંચી શકે છે.
દેશમાં 12 હજારથી વધુ ઇમારતો ધરાશાયી થઇ છે અને આશરે 90 હજાર ઇમારતોને નુકસાન થયું છે. ઇમારતો ધરાશાયી થવા માટે નબળાસ્તરનું નિર્માણ કામ પણ છે. આવા લોકોને સજા આપવા માટેની દિશામાં પ્રથમ કાર્યવાહી કરાઇ છે. 10 રાજ્યોનાં 60થી વધારે એવા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઇ છે, જેમના નબળાસ્તરનાં નિર્માણનાં કારણે ઇમારતો ધરાશાયી થઇ છે. 113 સામે ધરપકડ વોરંટ જારી કરાયા છે. કાયદા મંત્રાલય દ્વારા પણ ભૂકંપ અપરાધ તપાસ યુનિટ બનાવવા માટેનાં આદેશ જારી કર્યા છે. 1999માં આવા જ ભયાનક ભૂકંપ બાદ નિર્માણ માટે નિયમો બનાવાયા હતા. તબાહીને લઇને નિષ્ણાંતોએ નિયમોનાં ભંગની વાત કરી છે.
એન્જિનિયરોની મદદ કરવા માટે તુર્કિયે પહોંચેલા મિયામોટો ઇન્ટરનેશનલનાં સ્ટ્રકચરલ એન્જિનિયર ડો. એચ. કિટ મિયામોટોએ કહ્યું છે કે, 1997માં તુર્કિયેમાં એક કાયદો પાસ કરવામાં આવ્યા બાદ કેટલાક નિયમો અમલી બન્યા હતા. જે હેઠળ ઇમારતોને ડ્કટાઇલ ક્રોંક્રિટથી ઇમારતો બનાવવાની હતી. આ એવી સામગ્રી છે, જે ભૂકંપનાં આંચકા સહન કરી શકે છે. જો કે કમનસીબે તુર્કિયેમાં માત્ર 10 ટકા ઇમારતો જ આ માપદંડનાં આધારે બની હતી. આ ટેકનિકથી જુની ઇમારતોને મજબૂત કરવામાં માત્ર 15 ટકા જ વધુ રકમ ખર્ચ થાય છે. ઇસ્તાનબુલ ટેકનિકલ યૂનિવર્સિટીનાં ભૂવૈજ્ઞાનિક એન્જિનિયર પ્રોફેસર ઓકાન તુયુસુજનાં કહેવા મુજબ પ્રથમ આંચકાથી 50 લાખ ટન ટીએનટીના વિસ્ફોટ જેટલી ઉર્જા નિકળી હતી.
આક્રોશ વધ્યો, બચાવ કર્મી કહે છે- ક્રોંક્રિટ નહીં રેતી છે
રાહત અને બચાવ અભિયાનની ધીમી ગતિનાં કારણે તુર્કિયેમાં ભૂકંપગ્રસ્ત લોકોમાં નારાજગી સતત વધી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોનાં નિવાસીઓમાં નફો મેળવવા માટે નિયમોની અવગણના કરનાર ભ્રષ્ટાચારી બિલ્ડરોની સામે જોરદાર આક્રોશ છે. બિલ્ડરોને સરકાર તરફથી ઘણી રાહત આપવામાં આવી છે. આના કારણે પણ લોકોમાં નારાજગી છે.
ઉતાવળમાં ઇમારતો બનાવી દેવાઇ, જેથી ધરાશાયી થઇ
હતય પ્રાંતમાં બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર મેહમત યાસર કોસ્કુનની ઇસ્તાનબુલ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવાઇ છે. 250 એપાર્ટમેન્ટની ઇમારતો કાટમાળમાં ફેરવાઇ ચુકી છે. અંતક્યામાં ધરાશાયી થયેલી ઇમારતને લઇને બચાવ ટીમનાં સભ્યે કહ્યું છે કે, બિલ્ડિંગમાં ક્રોક્રિટ રેતી સમાન છે. આ ઇમારત ઉતાવળમાં બનાવાઇ હતી.