બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ સંપૂર્ણ રીતે ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો. ટીમે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યું હતું. એ બાદ દિવસની રમતના અંતે 3 વિકેટે 180 રન થયા હતા. આ રીતે ટીમને 134 રનની લીડ મળી ગઈ છે.
રચિન રવીન્દ્ર (22 રન) અને ડેરિલ મિચેલ (14 રન) અણનમ પરત ફર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ 91 રન બનાવ્યા હતા. જ્યારે વિલ યંગે 33 રન અને કેપ્ટન ટોમ લાથમે 15 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચનો પહેલો દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. ગુરુવારે બીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેનો નિર્ણય ભારત માટે બિલકુલ યોગ્ય સાબિત થયો ન હતો. ભારતીય ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. ટીમના 5 બેટર્સ ઝીરો પર આઉટ થયા હતા.