ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને ICC દ્વારા ક્રિકેટ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. આઈસીસીએ બંને ખેલાડીઓને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપ્યા હતા. સિરાજને મેચ ફીના 20% દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
સિરાજે ICC આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે હેડને કલમ 2.13 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. છેલ્લા 24 મહિનામાં આ બંનેની પહેલી ભૂલ હતી, તેથી બંનેમાંથી એક પણ મેચ માટે પ્રતિબંધિત નથી. બંને 14 ડિસેમ્બરથી શરૂ થનારી બ્રિસબેન ટેસ્ટમાં રમી શકે છે.
મેચના બીજા દિવસે સિરાજ અને હેડ વચ્ચે દલીલ થઈ હતી ઓસ્ટ્રેલિયાએ 82મી ઓવરમાં 7મી વિકેટ ગુમાવી હતી. અહીં ટ્રેવિસ હેડ 140 રન બનાવીને આઉટ થયો હતો. તેણે સિરાજની ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી, પછીના જ બોલ પર સિરાજે તેને બોલ્ડ કર્યો. આ પછી હેડએ કંઈક કહ્યું જે પછી સિરાજે પણ થોડા શબ્દો કહ્યા અને તેને બહાર જવાનો ઇશારો કર્યો. પછી હેડે જતી વખતે સિરાજને કંઈક કહ્યું. ઓવર પછી સિરાજને ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોની બૂમાબૂમનો પણ સામનો કરવો પડ્યો હતો.