દેશમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વાહનોની કિંમતમાં વધારા છતાં મજબૂત માંગને પગલે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 18-20%ની રેકોર્ડ વૃદ્ધિ જોવા મળશે તેવી શક્યતા કેરએજ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષે પણ મજબૂત ઓર્ડર બૂક તેમજ સપ્લાય ચેઇનમાં સુધારાને કારણે આ ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે.
કેરએજ અનુસાર પ્રીમિયમ વેરિયન્ટ્સની માંગ મજબૂત રહેશે જ્યારે ઊંચા વ્યાજદરો અને ફુગાવાના માહોલને કારણે એન્ટ્રી લેવલ વેરિયન્ટસની માંગમાં નરમાઇ રહેશે. કુલ ઇવી માર્કેટના વેચાણમાં 6% હિસ્સો ધરાવતા ઇલેક્ટ્રિક ફોર વ્હીલર સેગમેન્ટના વોલ્યૂમમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સે (OEMs) નજીકના ભવિષ્યમાં વધુ ઇવી મોડલ્સ લૉન્ચ કરવાની યોજના બનાવી છે, જે સ્થાનિક માર્કેટને અનુરૂપ હોય તેમજ માર્કેટમાં સ્પર્ધાને વધારી શકે.
કેરએજ રિસર્ચના ડિરેક્ટર તનવી શાહે જણાવ્યું હતું કે 18-20%નો ટ્રેન્ડ નાણાકીય વર્ષ 2025માં પણ જારી રહેશે. જેનું કારણ મજબૂત ઓર્ડર બૂક, સપ્લાય ચેઇનમાં સુધારો, નવા મોડલની વધુ માંગ અને યુટિલિટી વ્હીકલ્સ સેગમેન્ટની સતત વધતી માંગ છે.સ્થાનિક સ્તરે કુલ વેચાણમાં પીવી સેગમેન્ટનો હિસ્સો 18% છે. નાણાકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના દરમિયાન પેસેન્જર વાહનોનું સ્થાનિક વેચાણ 25 ટકા વધ્યું હતું. છેલ્લા બે નાણાકીય વર્ષથી વાહનોની ઉપલબ્ધતામાં સુધારો તેમજ નવા મોડલ્સના લોન્ચિંગને કારણે સેગમેન્ટમાં ગ્રોથનો ટ્રેન્ડ યથાવત્ર રહ્યો છે.
તદુપરાંત, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નિકાસ પણ ગત વર્ષ કરતાં 3% વધી છે. ખાસ કરીને યુટિલિટી વ્હીકલ્સ અને પ્રીમિયમ સેગમેન્ટની વધુ માંગ, કિફાયતી પરિવહન માટે ગ્રાહકોની પસંદગી અને નિકાસના કેટલાક માર્કેટ માટે નવા મોડલ્સના લોન્ચિંગને કારણે નિકાસને પણ વેગ મળ્યો હતો.જો કે, અત્યારે નિકાસ માટેના મુખ્ય માર્કેટમાં જોવા મળી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે પણ વેચાણ પર અસર થઇ છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન પીવી ઇન્ડસ્ટ્રીએ વાર્ષિક 27%ની વૃદ્ધિ સાથે સર્વાધિક વેચાણ નોંધાવ્યું છે. જો કે, ગત નાણાકીય વર્ષે મજબૂત બેઝ ઇફેક્ટ તેમજ ઊચ્ચ વ્યાજદરો, ફુગાવો અને નવા નિયમનકારી ધોરણોને કારણે ખર્ચ પર અસરને કારણે પેસેન્જર વ્હીકલ ઇન્ડસ્ટ્રીના વૃદ્ધિદરમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.