કહેવાય છે કે, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય' અને ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' આ ઉક્તિને સુપેરે સાકાર કરી છે બાળપણથી જ દિવ્યાંગ એવા સોનલ વસોયાએ. અડગ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી રમત-ગમત ક્ષેત્રે સોનલે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 85 ટકા ડીસેબિલિટી ધરાવતી સોનલ વર્ષ 2012થી જ વિવિધ ક્ષેત્રે સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલો જીતતી આવે છે. તેણે બરછી ફેંક, ડીસ્ક ફેંક, ગોળા ફેંક સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ વોટર સ્પોર્ટ્સમાં આગળ વધવાનું વિચાર્યું અને ભોપાલમાં યોજાયેલી વોટર સ્પોર્ટ્સની 18મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને 5 મેડલ અપાવનાર પ્રથમ ગુજરાતી મહિલા બની ગઈ છે.
ગુજરાતના એકમાત્ર ખેલાડી તરીકે 3 સિલ્વર, 2 બ્રોન્ઝ અપાવ્યા ઊંડા પાણીમાં હામરૂપી હલેસા ભરી મેડલ મેળવવાની તેની સિદ્ધિઓ વર્ષ 2022થી શરૂ થઈ. વર્ષ 2024માં પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ જાપાનમાં એશિયન ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ મેળવી તેણે ગુજરાતને પ્રથમ ઇન્ટરનેશનલ મેડલનું ગૌરવ અપાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં 18મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપ તા. 24થી 28 એપ્રિલ, 2025 દરમિયાન ભોપાલમાં ચાલી રહી હતી. તેમાં તેઓએ કેનો બોટમાં 200 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને કયાકિંગ બોટમાં 200 મીટરની રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આમ સોનલ ત્રણ વર્ષમાં કેનોઈંગ કયાકિંગ વોટર સ્પોર્ટસમાં ગુજરાતના એકમાત્ર ખેલાડી તરીકે 3 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ અપાવ્યા અને એશિયન ચેમ્પિયનશિપ ટોક્યો ખાતે ગુજરાતને ફર્સ્ટ સિલ્વર મેડલ અપાવ્યો છે.