કોરોના બાદ હવે દુનિયામાં બર્ડ ફ્લૂથી મહામારી ફેલાવાનું જોખમ તોળાઇ રહ્યું છે. હજુ સુધી મરઘીઓ અને પક્ષીઓમાં ચેપ ફેલાયા બાદ હવે વાઈરસ એચ5એન1ના કેટલાક કેસ માનવીઓમાં પણ સપાટી પર આવ્યા છે. આ માનવી માટે નવી મહામારી બની શકે છે. આને ધ્યાનમાં લઇને ગયા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે ચેતવણી પણ જારી કરી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાએ એક સંભવિત બર્ડ ફ્લૂ મહામારી માટે તૈયાર રહેવાની જરૂર છે. હાલમાં જ પેરુમાં એચ5એન1 ચેપથી 585 સી લાયન્સ અથવા તો દરિયાઇ સિંહોનાં મોત થયાં હતાં.
ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પેનના મિન્ક ફાર્મમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે માહિતી મળી હતી. બ્રિટનમાં બર્ડ ફ્લૂ શિયાળમાં જોવા મળ્યા બાદ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. બીમારી ફેલાવાના ઇતિહાસને જોવામાં આવે તો તેના માનવીમાં ફેલાઇ જવાનો ખતરો અકબંધ છે. ડબ્લ્યુએચઓના પ્રમુખની ચેતવણીને આ જ સ્વરૂપમાં જોઇ શકાય છે.