શહેરના અમીન માર્ગ પાસેના અર્જુન પાર્કમાં ભોં ટાંકામાં પાણીનો વાલ્વ બંધ કરવા ઉતરેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. યુવકનાં મોતથી તેની ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની છવાઇ ગઇ હતી. જામનગર રોડ પરના સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો અને છૂટક સફાઇ કામ કરતો મહેશ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.28) મંગળવારે સવારે દશેક વાગ્યે સફાઇ કામ માટે 150 ફૂટ રિંગ રોડ પર ઇમ્પિરિયલ હાઇટ્સ પાસેના અર્જુન પાર્કમાં તેમના પત્ની અનિતાબેનની સાથે ગયા હતા. પતિ-પત્ની બંને સફાઇ કામ કરી રહ્યા ત્યારે એ વિસ્તારના એક ખાનગી બંગલાનો પાણીનો ભોં ટાંકો છલકાતા બંગલામાં રહેતા મહિલાએ મહેશભાઇને ભોં ટાંકાનો પાણીનો વાલ્વ બંધ કરી દેવા કહ્યું હતું.
પોતે દરરોજ એજ વિસ્તારમાં સફાઇ કામ કરતા હોય બંગલા માલિકને ઓળખતા હોવાથી મહેશભાઇ મદદ કરવાના હેતુથી પાણીનો વાલ્વ બંધ કરવા ભોં ટાંકામાં ઉતર્યા હતા, જ્યારે તેમના પત્ની અનિતાબેને સફાઇ કામ ચાલુ રાખ્યું હતું. લાંબો સમય વીતવા છતાં મહેશભાઇ ટાંકામાંથી બહાર નહીં આવતા તેમજ ટાંકાની નજીક જઇ અનિતાબેન અને બંગલામાં રહેતા પરિવારના સભ્યોએ પડકારો કર્યો હતો પરંતુ મહેશભાઇનો કોઇ પ્રતિસાદ નહીં મળતાં કશુંક અજુગતું થયાની શંકા ઊઠી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરાતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડના મરજીવાઓઅે રેસ્ક્યૂ કરી મહેશભાઇને ટાંકામાંથી બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા અને સ્થળ પર સીપીઆર આપી મહેશભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.