એક અહેવાલ પરથી મળતી માહિતી મુજબ ટ્વિટરનાં ટ્વિટરનાં ઈલોન મસ્કે આજે તેની ત્રણમાંથી બે ભારતીય ઓફિસો બંધ કરી દીધી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મસ્કનું આ પગલું પોતાનાં ખર્ચમાં ઘટાડો કરવા અને ટ્વિટરને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના મોટા મિશન સાથે સુસંગત છે.આ બંને ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું સૂચન મળી ચૂક્યુ છે.
બ્લૂમબર્ગનાં એક અહેવાલ મુજબ ગયા વર્ષે ટ્વિટરે ભારતમાં તેના આશરે 90%થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને હવે તેણે નવી દિલ્હી અને મુંબઇમાં તેની ઓફિસો પણ બંધ કરી દીધી છે. કંપની બેંગલુરુમાં ઓફિસનું સંચાલન ચાલુ રાખશે, જેમાં ફક્ત એન્જિનિયરો જ છે.
અબજોપતિ CEOએ 2023નાં અંત સુધીમાં ટ્વિટરને આર્થિક રીતે સ્થિર બનાવવાના પ્રયાસના ભાગરૂપે વિશ્વભરમાં કર્મચારીઓને બરતરફ કર્યા છે અને ઓફિસો બંધ કરી દીધી છે પરંતુ, આ પગલું આશ્ચર્યજનક છે કારણ કે, ભારતને મેટા પ્લેટફોર્મ્સ ઇન્કથી આલ્ફાબેટ ઇન્ક સુધીના તમામ યુ.એસ. ટેક જાયન્ટ્સ માટે ‘વિકસતુ બજાર’ માનવામાં આવે છે અને આ કારણોસર વિશ્વની મોટાભાગની કંપનીઓ ભારતીય બજાર પર લાંબા ગાળાનો દાવ લગાવી રહી છે. બીજી તરફ,છેલ્લા થોડા સમયથી ભારતમાં ટ્વિટરનો ઉપયોગ પણ વધ્યો છે અને તે પાછલા વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ જાહેર મંચોમાંના એક તરીકે વિકસિત થયું છે.