દાહોદ જિલ્લાના સંજેલીમાં સવારે જાહેર રસ્તા ઉપર છ માસ આશરાના ભ્રુણના બે કટકા થયેલા મળી આવતાં આખા ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. ગેરકાયદે ગર્ભપાતની ઘટના પગલે પોલીસ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. બાળ ભ્રુણને થેલીમાં મુકીને જાહેર રોડ ઉપર ફેંકી દેવાયુ હતુ અને થેલી ઉપર વાહન ચઢી જતાં તેના બે કટકા થઇ ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને દવાખાના ખુધવા સાથે સીસી ટીવી કેમેરા પણ ચેક કર્યા હતાં.
જોકે, સમાચાર લખાયા સુધી ભ્રુણ કોણ ફેંકી ગયુ તે અંગેની કોઇ માહિતી મળી નહતી. સંજલી ગામના ઝાલોદ રોડ ઉપર મેઇન બજારમાં સવારના સમયે ગાયત્રી મેડિકલ સ્ટોર્સની સામે એક પ્લાસ્ટિકની થેલીમાંથી બે કટકા થયેલું છ માસ આશરાનું ભ્રુણ મળી આવ્યુ હતું. આ ઘટના વાયુવેગે આખા ગામમાં પ્રસરતા ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતાં.