આજના આ યુગમાં શેરી રમતો કે પ્રવૃત્તિઓને બદલે નાના બાળકો સતત મોબાઇલમાં વ્યસ્ત હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના 100 તાલીમાર્થી કુદરતના વાતાવરણ માણવાનો અને તેને ઓળખવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
રાજકોટના ઓસમ પર્વત પર સૌ પ્રથમ વખત પર્વતારોહણ અંગેની તાલીમનું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 8થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સનું તેમજ 14 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો માટે બેઝિક રોક ક્લાઈમ્બિંગ કોર્સ અંગે તાલીમ અપાઇ છે. 27 જાન્યુઆરીથી શરૂ થયેલી આ તાલીમ 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં જંગલમાં અને પર્વત પર ટ્રેકિંગ, ખડક ચઢાણ, એડવેન્ચર પ્રવૃત્તિની તાલીમ માટે અલગ અલગ ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. આ તાલીમ માટે 10થી વધુ ઇન્સ્ટ્રક્ટર સેવા આપશે.
આ કેમ્પમાં એડવેન્ચર કોર્સના 50 ભાઈઓ-બહેનો તથા બેઝિક કોર્સના 50 ભાઈઓ-બહેનો એમ કુલ મળીને 100 ભાઈઓ-બહેનો ભાગ લઈ રહ્યા છે. આ કોર્સમાં ગુજરાતમાંથી જુદી જુદી જગ્યાએથી ઇન્સ્ટ્રક્ટરો બેઝિક રોક ક્લાઈમ્બિંગ કોર્સની તાલીમ આપવા માટે આવ્યા છે જેમાં દીપકભાઈ સોલંકી-જૂનાગઢ, ધનરાજભાઈ જોશી-ભાવનગર, પીયૂષભાઈ ચુડાસમા-ગીર સોમનાથ, ધર્મિષ્ઠાબેન બામણિયા-ભાવનગર, પ્રીતભાઈ જલુ-ઉપલેટાથી આવ્યા છે. જ્યારે એડવેન્ચર કોર્સ માટે પવનભાઈ ઓઝા, રામભાઈ ચંદ્રવાડિયા-જૂનાગઢ, અંકિતભાઈ મકવાણા-ઉપલેટાથી આવ્યા છે. સમગ્ર કોર્સના કોર્ડિનેટર તરીકે ડો.શૈલેષ બુટાણી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા જોવામાં આવી રહી છે. આ ઉપરાંત મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં અભ્યાસ કરતા અને પર્વતારોહણના એડવાન્સ કોર્સ પાસ કરેલા અને ઓસમ હિલ પાટણવાવના ડુંગરના જાણકારની પણ સેવા લેવામાં આવી રહી છે.