દેશભરમાં સૂરજે ફેબ્રુઆરીમાં જ રૌદ્ર સ્વરૂપ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે હવામાનમાં વિચિત્ર પલટો આવ્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળો વીત્યા પછી વસંત ઋતુ આવે એ પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં સૌથી વધુ વધારો રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયો છે. અહીં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં 9 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યો છે. દેશનું સરેરાશ તાપમાન પણ 15 માર્ચ જેવી સ્થિતિએ પહોંચી ગયું છે.
શુક્રવારે ભુજમાં સતત બીજા દિવસે દેશનું સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે ભુજમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ફેબ્રુઆરીમાં દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. શિમલા અને મસુરી જેવાં હિલ સ્ટેશનો પર તાપમાન સામાન્યથી 9 ડિગ્રી વધારે છે. અહીં એપ્રિલ મહિના જેવી સ્થિતિ સર્જાઈ છે.