રાયપુર કોંગ્રેસનું 24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલું રાયપુર અધિવેશન પક્ષને નવી દિશા આપવામાં મહત્ત્વનો પડાવ સાબિત થઇ શકે છે. અા અધિવેશનના બીજા દિવસે કોંગ્રેસનો રાજકીય પ્રસ્તાવ આવશે, જેમાં મુખ્યત્વે ભાજપના કથિત રાષ્ટ્રવાદ અને આક્રમક રાજકારણ પર પ્રહાર કરાશે. આ અધિવેશન પહેલા કોંગ્રેસ થિંક ટેન્ક દિલ્હીમાં આ અંગે વિચારવિમર્શ કરી રહી છે કે, કઇ રીતે ભાજપના રાજકારણનો સામનો થઇ શકે. આ કડીમાં કોંગ્રેસ હવે હાથથી હાથને જોડોનો નારો આપીને સમગ્ર દેશમાં નવા રૂપમાં તેમના રાજકારણને આગળ વધારશે. તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું આગામી પગલું પણ હશે. મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર કોંગ્રેસનું સંપૂર્ણ અધિવેશન થવા જઇ રહ્યું છે. તેમાં મુખ્યત્વે આર્થિક વિષમતાઓ, સામાજિક ધ્રુવીકરણ અને ભાજપની રાજકીય સરમુખત્યારશાહી જેવા વિષયની ચર્ચા થશે. હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી મામલો જે રીતે સામે આવ્યો છે, તે કોંગ્રેસ માટે મોટું હથિયાર સાબિત થઇ રહ્યો છે. આ મામલે સમગ્ર દેશમાં અભિયાન ચલાવીને મોદી સરકારનો જવાબ માંગવાનો પ્રસ્તાવ પણ પસાર થઇ શકે છે. મહિલાઓને એક તૃતિયાંશ ટિકિટ આપવાનો પણ વિચારઃ કોંગ્રેસ મહિલાઓને તેમની સાથે જોડવા બંધારણમાં ફેરફાર કરી શકે છે.