કોરોના કાળ દરમિયાન વેચાણમાં ઘટાડા બાદ હવે FMCG માર્કેટમાં રોનક પાછી ફરી છે. જેને કારણે ખાસ કરીને પર્સનલ કેર, હોમ કેર પ્રોડક્ટ્સની માંગ ખૂબ જ વધી છે. ઇટીના રિપોર્ટ અનુસાર, જુલાઇની તુલનામાં ઓગસ્ટમાં એફએમસીજી માર્કેટમાં 6 ટકાની તેજી જોવા મળી છે.
આ તકને જોતા હવે FMCG કંપનીઓ માર્કેટમાં આ પ્રોડક્ટ્સની અલગ અલગ વેરાયટી લોન્ચ કરી રહી છે. આગામી સમયમાં આ પ્રોડક્ટ્સની માંગ વધશે તેવો કંપનીઓએ આશાવાદ દર્શાવ્યો છે. કોરોના કાળ દરમિયાન વેચાણમાં નિરુત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યા બાદ હવે તહેવારોની મોસમ દરમિયાન માંગમાં ફરીથી ઉછાળો નોંધાયો છે. ઓફિસ ફરી ખુલવાને કારણે પણ માંગને વેગ મળ્યો છે.
અત્યાર સુધી મોટા ભાગની કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ હતો. હવે કોરોનાના કેસ ઘટ્યા બાદ ફરીથી ઓફિસો ખુલી તો રોજીંદા વપરાશની વસ્તુઓની માંગમાં પણ તેજી જોવા મળી છે.
બિજોમના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, દેશના FCMG માર્કેટમાં છેલ્લા ત્રણ મહિનાથી તેજી જોવા મળી રહી છે. તેમાં કોમોડિટી અને પર્સનલ કેરની પ્રોડક્ટ્સમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, જો ગત વર્ષ એટલે કે 2021ની તુલનામાં 2022ના આંકડા પર નજર કરીએ તો તેમાં 23 ટકાનો વધારો થયો છે.