ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના અભ્યાસક્રમમાં ગત વર્ષે કરાયેલા ફેરફાર પછી રજિસ્ટ્રેશનમાં 6 મહિનામાં જ ઉછાળો આવ્યો છે. સીએના નવા અભ્યાસક્રમ માટે 6 મહિનામાં 1.29 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. નવા અભ્યાસક્રમ સાથે પહેલી વાર આ વિદ્યાર્થીઓની પરીક્ષા જૂન, 2024માં યોજાશે. નવા અભ્યાસક્રમ માટે ગત વર્ષે ઑગસ્ટમાં નોંધણી શરૂ કરાઈ હતી જ્યારે ડિસેમ્બર, 2024 માટે નવું રજિસ્ટ્રેશન હજી બાકી છે.
નવો સિલેબસ લાગુ થયાના 1 વર્ષમાં 2 લાખથી વધુ નોંધણી થઈ છે. આઇસીએઆઇના 2022ના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2013થી 2022 દરમિયાન સીએ કોર્સ માટે નોંધણીમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2013માં 3.11 લાખ વિદ્યાર્થીની નોંધણી સામે 2022માં ઘટીને 2.24 લાખ જ થઈ હતી.
દર ટ્રિલિયન ઇકોનોમી વૃદ્ધિએ નવા 1 લાખ સીએ જોઈએ
અત્યારે દેશમાં અંદાજે 4 લાખ ક્વૉલિફાઇડ સીએ છે. દેશનું અર્થતંત્ર અંદાજે 4 ટ્રિલિયન ડૉલર જેટલું છે. હવેથી 23 વર્ષ પછી 2047માં દેશને વિકસિત બનાવવાના લક્ષ્ય સાથે અનુમાન છે કે તે સમયે અર્થતંત્ર લગભગ 30 ટ્રિલિયનનું હશે. આટલું મોટું અર્થતંત્ર સંભાળવા માટે અંદાજે 30 લાખ સીએની જરૂર પડશે. આઇસીએઆઇના નવા અધ્યક્ષ રજનીશ અગ્રવાલે કહ્યું કે એક ટ્રિલિયન વૃદ્ધિ માટે સરેરાશ 1 લાખ સીએ જોઈએ. અત્યારે દેશમાં વાર્ષિક 20 હજાર સીએ તૈયાર થાય છે. સીએનું પરિણામ 25 વર્ષ પહેલાં (1999)માં લગભગ 2 ટકા જેટલું આવતું હતું આજે 2023માં એ 12 ટકાએ પહોંચ્યું છે.
અગ્રવાલે કહ્યું કે હાલમાં 8.5 લાખ વિદ્યાર્થી સીએના વિવિધ તબક્કામાં નોંધાયેલા છે. તેમાંથી 1.29 લાખે નવા અભ્યાસક્રમ પછી નોંધણી કરાવી છે. તેમાં ફાઉન્ડેશન માટે 49,028, ઇન્ટરમીડિએટ માટે 58,907 અને ફાઇનલ માટે 21,185 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે. ગત 1 વર્ષમાં સીએના 3 તબક્કા માટે 4.27 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, આ સંખ્યા સૌથી વધુ છે.