ઈઝરાયલે ગાઝા પર અત્યાર સુધી છ હજાર હુમલા કરીને 3600 આતંકી ઠેકાણા ફૂંકી માર્યા છે. આ હુમલામાં હમાસના અનેક આતંકી લૉન્ચપેડ, વૉર રૂમ, બંકરો અને હમાસના ઉચ્ચ અધિકારીઓના માલ-મિલકતને લક્ષ્યાંક બનાવાયા છે. ઈઝરાયલી સેનાએ લોકોને ગાઝા પટ્ટી ખાલી કરવાનો આદેશ આપીને આકાશમાંથી સંદેશ લખેલા પત્રો વરસાવ્યા હતા. તેમાં લખ્યું હતું કે ‘હમાસના હુમલાનો ઈઝરાયેલી સેના જવાબ આપી રહી છે. જે ઈમારતોમાં હમાસ સક્રિય છે, તે બધી જ અમે તબાહ કરી દઈશું.’
ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધના છઠ્ઠા દિવસે એટલે કે ગુરુવારે ટાઈમ્સ ઓફ ઈઝરાયલે આ માહિતી આપી હતી. આ દરમિયાન ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેન્ટે બ્રસેલ્સમાં નાટો દેશો સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું કે ‘2023 એ 1943 નથી. અમે આક્રમક પ્રહાર કરીશું અને ભૂલ નહીં કરીએ. અમે એ જ યહૂદીઓ છીએ પણ અત્યારે અમારી ક્ષમતા જુદી છે. ઈઝરાયલ એક મજબૂત દેશ છે. અમે એક છીએ અને મજબૂત પણ છીએ.’ આમ કહીને ગેલેન્ટે વિશ્વને આડકતરી રીતે યાદ અપાવ્યું હતું કે નાઝી જર્મનીમાં યહૂદીઓ પર ભારે અત્યાચાર થયો હતો પણ હવે ઈઝરાયલ આતંકવાદ સહન નહીં કરે.
ગેલેન્ટે નાટો દેશોના નેતાઓ-અધિકારીઓને હમાસે યહૂદી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પર કરેલા અત્યાચારની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ‘ઈઝરાયલના સુરક્ષા દળો હમાસનો ખાત્મો બોલાવી દેશે. અમારા બાળકોના લોહીથી જે લોકોના હાથ ખરડાયેલા છે, તે છેલ્લામાં છેલ્લા માણસને અમે શોધી કાઢીશું.