રવિવારનો દિવસ છે. કોલકાતાથી આશરે 30 કિ.મી. દૂર અચીપુર સ્થિત ચાઇનીઝ ટેમ્પલ કોમ્પ્લેક્સમાં વાહનોની ભીડ છે. ચીનના નવા વર્ષ નિમિત્તે અહીં લોકો દર્શન કરવા આવ્યા છે. અચીપુર ચાઇનીઝ ટેમ્પલના મુખ્ય દ્વાર પર મંદિરની સ્થાપનાનું વર્ષ અને પૃથ્વીના દેવીદેવતાની તસવીરો છે. મંદિરથી આશરે દોઢ કિલોમીટર દૂર નદી કિનારે ટોંગ આચૂની સમાધિ છે. ચીનના નાગરિકો ત્યાં પણ પૂજા કરે છે. ચીનના નવા વર્ષે મિની ચાઇના ટાઉન બની જાય છે. 2023માં તેને 305 વર્ષ પૂરા થશે.
રિફાઇન્ડ ખાંડ બનાવવાની શરૂઆત અહીં થઇ હતીઃ અચીપુર ચાઇનીઝ ટેમ્પલના કેરટેકર શેખ ફારુકુલ હક કહે છે કે, ‘સંભવતઃ 1718ની શરૂઆતમાં નદીના રસ્તે સૌથી પહેલા ચીનના નાગરિક ટોંગ આચૂ (અચેવ પણ કહે છે) બંગાળ આવ્યા હતા. ત્યારે અહીં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. આચૂને ફક્ત મેન્ડેરિન ભાષા આવડતી. જોકે, આચૂ એવું જણાવવામાં સફળ રહ્યા કે, તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટ આપવા આવ્યા છે. કંપનીએ તેમને ભેટ બતાવવા કહ્યું તો તેમણે હોડીમાં રાખેલી લાલ ચા તેમને આપી. ચા પીધા પછી કંપનીના શાસકો ટોંગ પર ખુશ થઇ ગયા. અંગ્રેજોએ ટોંગની ઇચ્છા પૂછી તો તેમણે કહ્યું કે, હું અહીં ખાંડ મિલ શરૂ કરવા ઇચ્છું છું. તેના માટે મારે જમીન જોઇએ છે. ત્યારે કંપનીના અધિકારીઓએ એક ઘોડાને ચાબુક મારી અને ઘોડો જેટલી જમીન પર ફરીને અટક્યો, એટલી જમીને આચૂને લીઝ પર આપી દીધી.’