IPLની બધી જ ટીમે પોત-પોતાની રિટેન લિસ્ટ બહાર પાડી દીધી છે. જેમાં આ વખતે પણ ગુજરાતી પ્લેયર્સની બોલબાલા રહી છે. ગઈ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ જીત્યું હતું. જેના કેપ્ટન હાર્દિક પંડ્યા હતા. આ વખતે પણ તેઓને ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેમને હવે ટીમ ઈન્ડિયાની T20 ઈન્ટરનેશનલ ટીમની જવાબદારી સોંપાઈ શકે છે. તો જસપ્રીત બુમરાહને MIએ પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. બીજીબાજુ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને CSKએ રિટેન કર્યા છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે રવીન્દ્ર જાડેજા અને CSKના મેનેજમેન્ટ વચ્ચે બનતું ના હોવાથી તેઓ ટીમને છોડી શકે છે. ત્યારે આ બધી જ અફવાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવતા, હવે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી જ રમશે.
તો અમુક એવા ગુજરતી પ્લેયર્સ પણ છે, જેને તેમની ટીમે રિલિઝ કર્યા છે. જેમાં સૌરાષ્ટ્રના સ્ટાર ફાસ્ટ બોલર અને કેપ્ટન જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. તેમને મુંબઈ ઈન્ડિયન્સે રિલિઝ કરી દીધા છે. તો સૌરાષ્ટ્રના જ સ્ટાર ઓલરાઉન્ડર પ્રેરક માંકડને પણ પંજાબ કિંગ્સે રિલિઝ કરી દીધા છે. ત્યારે આજે આપણે એવા ગુજરાતી પ્લેયર્સ વિશે જાણીશું કે જેઓ રિટેન થયા અને ક્યા પ્લેયર્સ રિલિઝ થઈ ગયા છે!
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સે 16 કરોડમાં રિટેન કર્યા છે. છેલ્લા છ મહિનાથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે તેમની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મેળ પડતો નથી. ત્યારે હવે CSKએ તેમને રિટેન કરીને આ બધી જ ચર્ચાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ગત સિઝનમાં રવીન્દ્ર જાડેજાને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન પદ છોડીને જાડેજાને કેપ્ટનશિપ આપવાનું નક્કી કર્યું હતું. જોકે તે સિઝનમાં CSKનું પરફોર્મન્સ સારું રહ્યું નહોતું. અને CSK મેનેજમેન્ટે અધ્ધવચ્ચેથી જ રવીન્દ્ર જાડેજાને કેપ્ટનશિપમાંથી હટાવીને ફરી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યા હતા. આમ, આ જ કારણથી જાડેજા અને CSK વચ્ચે અણબનાવ વધ્યો હતો, એવા સમાચારો આવ્યા હતા. આ પછી હમણાં એવા રિપોર્ટ્સ આવ્યા હતા, કે મહેન્દ્ર સિંહ ધોનીએ CSK ટીમ મેનેજમેન્ટને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે જાડેજા ગમે તેમ કરીને રિટેન થાય, કારણ કે તેઓ માને છે કે ટીમને રવીન્દ્રા જાડેજા જેવા ઓલરાઉન્ડર મળી શકે તેમ નથી. ત્યારે હવે તેઓ તેમની જુની ટીમ તરફથી જ ફરી રમશે.
ગુજરાત ટાઈટન્સને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કરી રાખ્યા છે. તેઓ ફરી એકવાર 16 કરોડમાં ટીમ તરફથી રમશે. તેમની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સે ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. અને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની ટીમ છે, પણ તેઓ એકમાત્ર ગુજરાતી પ્લેયર છે.
ાજેના કારણે હવે ટીમ ઈન્ડિયાની T20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ આ વિશે કોઈ સત્તાવાર વાત બહાર આવી નથી. ત્યારે હવે લોકોની નજર ફરી એકવાર હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમને શાનદાર પ્રદર્શન ઉપર રહેશે.