બાવળામાં ચલોડા રોડ ઉપર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લોટોમાં રહેતાં 300 પરિવાર 20 દિવસથી પાણીની ઘેરાબંધીમાં છે. આ પરિવારોને આવનજાવન માટે એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જે સવારે 6:10થી રાત્રે 10:00 સુધી દિવસના 15 ફેરા લગાવે છે. અંદાજે 1 કિમીના માર્ગ ઉપર ભરાયેલા અઢી ફૂટ પાણીનો કોઇ નિકાલ ન થતાં રહીશોએ શુક્રવારે પાલિકા કચેરીને તાળાબંધી કરી હતી. આ દરમિયાન સ્ટાફને ત્રણ કલાક બંધક બનવું પડ્યું હતું. બાવળા પાલિકા વિસ્તારમાં આવેલા ચલોડા રોડ પરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લોટોમાં 300 પરિવાર રહે છે.
જન્માષ્ટમીએ પડેલા ભારે વરસાદના પાણીનો 20 દિવસ સુધી નિકાલ ન થતાં લોકોને સવાર-સાંજ ટ્રેક્ટરમાં આવન-જાવન કરવી પડે છે. આ ટ્રેક્ટરની વ્યવસ્થા સ્થાનિક રહીશે કરી આપી પરંતુ તેનો ડિઝલ ખર્ચ પાલિકા ઉઠાવે છે. સવારે 6:10 વાગ્યાથી રાત્રે 10 સુધી 15 ફેરા ટ્રેક્ટરના વાગતાં હોઇ રાત્રે કોઇને તકલીફ પડે તો શું કરવાનું? હવે ક્યાં સુધી ટ્રેક્ટરમાં જવાનું તેની રજૂઆત સાથે પાલિકા કચેરીમાં ગયા હતા. શુક્રવારે પાલિકા ચીફ ઓફિસરે 11 વાગ્યાનો સમય આપ્યો હોઇ રહીશોએ કામ-ધંધામાં રજા રાખી હતી. પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કચેરીના સ્ટાફને અંદર પૂરી શટર મારી તાળાબંધી કરી દીધી હતી. બપોરે 2 વાગ્યે આવેલા ચીફ ઓફિસરે જેસીબી લઇને આવું છું તેમ કહેતા તાળુ ખોલી દીધું હતું.