પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો ભાલા ફેંક અરશદ નદીમ વિવાદોમાં ફસાયો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી સાથે અરશદની મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. અરશદે આ મુલાકાત ઓલિમ્પિકમાં જીત બાદ કરી હતી.
લશ્કર-એ-તૈયબા સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી યાદીમાં સામેલ એક સંગઠન છે. તેના આતંકવાદી સંગઠનનો નેતા હાફિઝ સઈદ છે, જેણે મિલ્લી મુસ્લિમ લીગ નામની રાજકીય પાર્ટી બનાવી છે. અરશદ આ પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી હારિસ ડારને મળ્યો છે.
વીડિયોમાં આતંકી ડારે ગોલ્ડ મેડલ જીતવા બદલ અરશદ નદીમની પ્રશંસા કરી હતી. ડારે કહ્યું કે નદીમની જીત પર સમગ્ર મુસ્લિમ સમુદાયને ગર્વ છે.
પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમને પાકિસ્તાન સરકારે 1 કરોડ રૂપિયા અને નવી બ્રાન્ડેડ કાર ભેટમાં આપી છે. અરશદ પાકિસ્તાનના ઈતિહાસમાં એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે અરશદને આ ઈનામ આપ્યું છે. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે અરશદના ગામની મુલાકાત લીધી અને તેને અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. મરિયમ નવાઝે અરશદને રોકડ પુરસ્કાર અને કારની ચાવીઓ પણ આપી.