કંગાળ થયેલા પાકિસ્તાનને બચાવવા માટે હવે માત્ર 3 અબજ ડોલરની ફોરેન રિઝર્વ (થાપણો) સાથે છેલ્લા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે રાત્રે સરકારી ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે જોડાયેલ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- હું અને બાકીના કેબિનેટ મંત્રીઓ વેતન લઈશું નહીં. તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના ખિસ્સામાંથી વીજળી, પાણી, ગેસ અને ટેલિફોનનું બિલ ચૂકવશે.
શરીફના જણાવ્યા અનુસાર - મંત્રીઓ પાસે રહેલા લક્ઝરી ગાડીઓની હરાજી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નોકરશાહીના ખર્ચમાં પણ મોટા કાપની જાહેરાત કરવામાં આવી છે.
જો કે, આશ્ચર્યની વાત એ છે કે દેશની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી (76 વર્ષ), શરીફે લગભગ અડધો સમય દેશને ચલાવનાર શક્તિશાળી સેનાના બજેટ પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તે પણ જ્યારે તેનું અબજો રૂપિયાનું બજેટ છે.
પહેલા જાણો શરીફે શું કહ્યું
વઝીર-એ-આઝમ (વડાપ્રધાન) શરીફે ઘણા કેબિનેટ મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું- ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની શરતોને પહોંચી વળવા માટે સરકારી ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય જનતા માટે પણ આ એક સંદેશ છે. આ ખર્ચા ઘટાડવાના પગલાં છે.
શરીફે કહ્યું- અમે સરકારના ખર્ચમાં ઘટાડો કરીને કરદાતાઓના લાખો રૂપિયા બચાવીશું. આ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને અમે કોઈપણ દબાણ વિના આ નિર્ણય જાતે લીધો છે.