ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2024)નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં અમે કેટલીક મેચની તારીખો અગાઉ જાહેર કરીશું. બાકીની મેચની તારીખો થોડા દિવસો પછી જાહેર કરવામાં આવશે.
તેમણે કહ્યું કે ટુર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નઈમાં શરૂ થવાની યોજના છે, જોકે ફાઈનલની તારીખ નક્કી કરવામાં આવી નથી. ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ચેન્નઈ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને તેની ઇવેન્ટની શરૂઆત કરશે. આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.
આ પહેલીવાર નથી કે જ્યારે લોકસભા ચૂંટણીઓને કારણે ઈન્ડિયન લીગના કાર્યક્રમને અસર થઈ હોય. અગાઉ 2019, 2014 અને 2009ની સિઝનમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટ ભારતમાં 2019માં ચૂંટણી બાદ યોજાઈ હતી. જ્યારે, 2014ની અડધી સિઝન UAEમાં યોજાઈ હતી. 2009માં સમગ્ર IPL દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી.