પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદરમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. પાક. સરકાર ચીનથી મિત્રતા નિભાવવાના ચક્કરમાં પોતાના જ નાગરિકોનો અવાજ સાંભળી રહી નથી. ગ્વાદરમાં દેખાવો હિંસક બની ગયા છે. એક પોલીસકર્મીના મૃત્યુ બાદ કલમ 144 લાગુ કરાઈ હતી. ઈન્ટરનેટ પણ ઠપ કરી દેવાયું છે. તેમ છતાં હક દો તહેરીક(એચડીટી) સીપીઈસી(ચીન-પાક ઈકોનોમિક કોરિડોર)નો વિરોધ કરી રહ્યું છે.ચીન માટે આ દેખાવો મોટી મુશ્કેલી બની ગયા છે.
ચીનના દૂત લી બિજાને સ્વીકાર્યું કે આ ચિંતાનો વિષય છે. ચીન એચડીટીના અધ્યક્ષ રહેમાન સહિત અન્ય સ્થાનિક અન્ય નેતાઓ સાથે વાત કરી રહ્યું છે પણ દેખાવકારો ગ્વાદર ઈસ્ટ બે એક્સપ્રેસ વે અને નિર્માણાધીન ન્યૂ ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવી રહ્યા છે એટલા માટે વાતચીતનો માર્ગ પણ બંધ થતો જઈ રહ્યો છે.
આ અમારા હકની લડાઈ, વિરોધ ચાલુ રહેશે : રહેમાન
એડીટીના અધ્યક્ષ અને દેખાવોનું નેતૃત્વ કરી રહેલા મૌલવી રહેમાને ભાસ્કરને જણાવ્યું કે આ ગ્વાદરના લોકોના અધિકારોની લડાઈ છે. અમે ચીનના નાગરિકો કે દેશના વિકાસની વિરુદ્ધ નથી. પણ ચીનના હિતથી લોકોનું જીવન પ્રભાવિત થશે તો સાંખી નહીં લઈએ, વિરોધ તો કરીશું.
માછલીની તસ્કરી રોકવા અને સુરક્ષા ચોકી ઘટાડવા માગ
આંદોલનકારી દેખાવકારોએ માગ કરી કે સુરક્ષા ચોકીઓની સંખ્યા ઘટાડો. સમુદ્રમાંથી ચીની ટ્રોલિંગ દ્વારા કરાતી માછલીની તસ્કરી પણ અટકાવો કેમ કે તેનાથી તેમની આજીવિકા પર અસર થાય છે. સાથે જ ઈરાન સાથે વેપાર કરવાના નિયમોમાં પણ દેખાવકારોએ રાહતની માગ કરી છે.