પિતાએ બે વર્ષ પૂર્વે ઉછીના આપેલા રૂ.30 લાખની ઉઘરાણી કરવા ગયેલા યુવક પર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ બાઇકનું હોર્ન ધીમેથી વગાડવાનું કહેતા યુવક પર ત્રણ ઇસમ પાઇપથી તૂટી પડ્યા હતા.
કોઠારિયા રોડ પરના અરવિંદભાઇ મણિયાર ક્વાર્ટરમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતાં યુવરાજસિંહ રણિતસિંહ જાડેજા (ઉ.વ.32)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્દ્રજિતસિંહ નાથુભા જાડેજા, મરાઠી નામનો એક શખ્સ અને એક પેટલ નામના શખ્સનું નામ આપ્યું હતું.
યુવરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતા રણજિતસિંહે બે વર્ષ પૂર્વે પેટ્રોલ પંપ કરવા માટે ઇન્દ્રજિતસિંહને રૂ.30 લાખ આપ્યા હતા, જે રકમ તે પરત કરતા નહોતા ને વાયદા કરતા હતા, શનિવારે યુવરાજસિંહ પૈસાની ઉઘરાણી કરવા ઇન્દ્રજિતસિંહની ઓફિસે ગયા હતા ત્યારે ઇન્દ્રજિતસિંહ અને ઓફિસમાં બેઠેલા અન્ય બે શખ્સે પૈસા આપવાનો ઇનકાર કરી ગાળો ભાંડી છરીથી હુમલો કર્યો હતો, હુમલા થતાં દેકારો મચી જતાં અન્ય લોકો દોડી ગયા હતા અને હુમલામાં ઘવાયેલા યુવરાજસિંહને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.