બ્રિટનનાં ક્વીન એલિઝાબેથનાં પ્રપૌત્ર-પ્રપૌત્રી અને પ્રિન્સ વિલિયમનાં પુત્ર-પુત્રીના નવી સ્કૂલમાં એડમિશનનો અન્ય વાલીઓએ વિરોધ કર્યો છે. વાત એમ છે કે પ્રિન્સ વિલિયમનાં સંતાનોએ લંડનની સૌથી પ્રતિષ્ઠિત લેમબ્રુક સ્કૂલમાં એડમિશન લીધું છે.
9 વર્ષનો પુત્ર જ્યોર્જ અને 7 વર્ષની પુત્રી શાર્લોટ પ્રેપ ક્લાસમાં અભ્યાસ શરૂ કરશે જ્યારે 4 વર્ષના લુઇસે પ્રી-પ્રેપમાં એડમિશન લીધું છે. પ્રિન્સ વિલિયમ તાજેતરમાં પત્ની કેટ સાથે વિન્ડસર પેલેસમાં શિફ્ટ થયા હોવાથી સંતાનોએ લંડન સ્થિત તેમની જૂની સ્કૂલ થોમસ બેટરસી સ્કૂલ છોડવી પડી છે.
વિલિયમ-કેટના આ નિર્ણયે લેમબ્રુક સ્કૂલનાં અન્ય બાળકોનાં વાલીઓની ચિંતા વધારી દીધી છે. તેમને આશંકા છે કે શાહી પરિવારનાં બાળકો અહીં ભણશે તો સ્કૂલનો માહોલ વધુ ગંભીર થઇ જશે. એક વાલીએ કહ્યું કે શાહી પરિવારનાં બાળકો અહીં ભણવા આવવાના હોવાથી સ્કૂલના પાર્કથી માંડીને કોરિડોરમાં હથિયારધારી ગાર્ડ તહેનાત થઇ ગયા છે. સ્કૂલનો માહોલ બદલાઇ જશે.
લેમબ્રુક સ્કૂલની આખા વર્ષની 6.50 લાખ રૂપિયા સુધી ફી!
શાહી પરિવારનાં બાળકોએ જ્યાં એડમિશન લીધું છે તે લેમબ્રુક સ્કૂલ બ્રિટનની સર્વશ્રેષ્ઠ શાળાઓ પૈકી એક છે. પ્રિન્સ વિલિયમ વર્ષની લગભગ 18-19 લાખ રૂ. સુધી ફી ભરશે. અગાઉ ક્વીન વિક્ટોરિયાના બે પૌત્ર પણ આ સ્કૂલમાં ભણી ચૂક્યા છે.