Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસતંત્ર હોય અથવા અખાડા કે ભજનમંડળી હોય, તમામ લોકો ભગવાનની નગરચર્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતાસ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસપુરમાં રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે રથયાત્રાને બે દિવસ જ બાકી છે ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત અન્ય 12 જેટલી પોળમાં રથયાત્રાના દિવસે ભક્તો માટે પ્રસાદી-ભોજન રાખવામાં આવે છે. કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જે કોઈ સરસપુરમાં જાય તે ભોજન-પ્રસાદ લીધા વિના પરત ફરતા નથી. દરેક પોળમાં, દરેક શેરીમાં અને દરેક ગલીમાં ભક્તોને પ્રસાદી મળી રહે છે. હજુ પણ સરસપુરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે.