પહલગામમાં જ્યારે હુમલો થયો ત્યારે તેનાથી માત્ર 5 જ કિ.મી. દૂર હતા. જેવો હુમલો થયો તરત જ સાયરન વાગવા માંડ્યા હતા અને મિલિટરી અને ભારતીય સૈનિકો પહોંચી ગયા. એક પછી એક હેલિકોપ્ટર પસાર થવા લાગ્યા હતા. ભાગદોડ શરૂ થઈ હતી. હુમલો થયાના સમાચાર મળતાં જ અમે તરત હોટેલ પહોંચી ગયા અને રાત સુધી ત્યાં જ રોકાઇ રહ્યા. બુધવારે સવારે 5.00 કલાકે હોટેલથી નીકળી અને જમ્મુ જવા રવાના થયા. બનાવના પગલે અને કાશ્મીરના રામબનમાં આવેલા વિનાશક પૂરના પગલે અમારે પૂંછ સરહદના માર્ગે જમ્મુ પહોંચવું પડ્યું. જમ્મુ પહોંચતા અમને 14 કલાકનો સમય લાગ્યો. આખા રસ્તે જંગલ જ જોવા મળ્યું હતું. કોઇ દુકાનો કે બજારો હતી નહિ. તેમ રાજકોટથી ફરવા ગયેલા મહેન્દ્રભાઈ મહેતા અને જગદીપભાઈ પારેખે જણાવ્યું હતું.
જ્યારે મૂળ રાજકોટના અને અમદાવાદથી શ્રીનગર ફરવા ગયેલા હેત માંકડે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે આતંકી હુમલો થયો ત્યારે અમે બધા ગુલમર્ગ હતા. બુધવારે સવારે 7.00 કલાકે ગુલમર્ગથી શ્રીનગર આવવા માટે રવાના થયા હતા. રોડ મારફતે ગુલમર્ગથી શ્રીનગર પહોંચતા અંદાજિત 4.00 કલાકનો સમય લાગ્યો. સવારે 11.00 કલાકે શ્રીનગર પહોંચ્યા. આખા રસ્તે બજારો બંધ હતી, રસ્તા સૂમસામ હતા. આર્મીના જવાનો બંદોબસ્તમાં હતા. અત્યારે શ્રીનગરની એક હોટેલમાં રોકાયા છીએ. ત્યાં ગુજરાતી ફૂડની સુવિધા છે. મેડિકલ ઈમર્જન્સી સારવારની જરૂર હોય તો તે પણ મળી રહે છે. પહલગામ ખાલી કરાવી દીધું છે. અહીં બધે શાંતિ છે. શ્રીનગર આખું સૂમસામ છે. માત્ર થોડા ઘણા વાહનો આવતા-જતા જોવા મળી રહ્યા છે. જોકે હાલમાં એવી સૂચના છે કે, શકય હોય ત્યાં સુધી હોટેલમાં રહેવું. હજુ બે દિવસ સુધી શ્રીનગર જ રોકાવાનું થશે. શ્રીનગરથી અમદાવાદની ફ્લાઈટ છે અને ત્યાંથી રાજકોટ પરત ફરશે. પહલગામ ફરવા જવાનું પ્લાનિંગ હતું પણ આ બનાવ બાદ તે મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજકોટથી શ્રીનગર ફરવા માટે 13 પ્રવાસી એક યુવક અમદાવાદથી શ્રીનગર ફરવા ગયા હતા તે હાલમાં બધા સુરક્ષિત છે.