જસદણમાં ચિતલીયા રોડ પર આવેલી ફ્લોરમીલમાંથી ત્યાં ઓપરેટર તરીકે કામ કરતા પરપ્રાંતીય પરિવારે માલિકે ખાનામાં રાખેલા રૂ.25 હજારની ચોરી કરી નાસી છૂટ્યા અંગેની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ફરિયાદી હિતેષભાઈ નારણભાઈ ભુવા(ઉ.વ.32)(રહે-ચિત લીયા રોડ, ગજાનન રેસીડન્સી, ફલેટ નં.102, જસદણ) એ જણાવ્યું હતું કે, તેઓ જસદણમાં બજરંગ પાર્કમાં સ્વરા એકસપોર્ટ નામે ફલોરમીલ અને વૃંદાવન ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે.
ફલોરમીલમાં મશીન ઓપરેટર તરીકે મૂળ મીરઝાપુરનો રાજુ ઉર્ફે રાજકુમાર શીલાજીતકુમાર છેલ્લા 6 મહીનાથી કામ કરતો હતો અને તે પરિવાર સાથે ત્યાં જ રહેતો હતો. દરમિયાન ગત તા.25 ના રોજ ફલોરમીલના હીસાબ પેટે રૂ.25 હજાર રોકડા આવેલા હતા. બાદમાં તેઓ તેની સ્કૂલે ગયા હતા. બાદમાં સાંજના 6 વાગ્યે ફરિયાદી ફલોરમીલ ખાતે ગયા તો તેના ઓપરેટર રાજુ ઉર્ફે રાજકુમાર અને તેનો પરિવાર જોવામાં આવ્યો નહી. જેથી તેને ફોન કરતા તે રાશન લેવા ગયો છે, તેવું કહ્યું હતું અને મિલ બંધ કરી દીધી હતી.