ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જળવાઇ રહ્યો હતો અને વધુ બે ઇંચ વરસાદ પડી જતાં આ સાથે સિઝનનો 55 ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે હવે શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો વરાપ ઇચ્છે છે. જેથી કરીને પાકને બચાવી શકાય અને રોગચાળાની સંભવિતતાને અટકાવી શકાય.
ધોરાજી શહેર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો અને બે ઇંચ સુધી પાણી પડી ગયું હતું. ધોરાજીના ભૂખી, તોરણીયા, નાની પરબડી, મોટી પરબડી અને જમનાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતાં નાળાં, વોકળા ફરી ઉફાણે ચડ્યા હતા. જો કે હવે શહેરીજનો અને પંથકના ગ્રામજનો વરાપ અને વરસાદમાં વિરામ ઇચ્છે છે. ખેડૂતોએ હૈયાવરાળ કાઢતાં જણાવ્યું હતું કે ભારે વરસાદ પડતાં કપાસ, મગફળી, સોયાબીન , એરંડા જેવા વિવિધ પાકોને નુકસાનની ભીતિ છે.