અમેરિકા સતત વધતા ટ્રાફિક અને તેના માટે વારંવાર રસ્તા પહોળા કરવા મલ્ટિ લેયર રસ્તા, ફ્લાયઓવર બનાવવા જેવા ઉપાયો છોડીને બીજા વિકલ્પો શોધી રહ્યું છે. હવે તંત્ર સમજી ગયું છે કે વારંવાર રસ્તા પહોળા કરવા સ્થાયી ઉકેલ નથી. સરકાર પર દબાણ પણ વધ્યું છે. અમેરિકન સરકારે ગાઇડલાઇન્સ જારી કરીને કહ્યું છે કે રસ્તા વધુ પહોળા કરવાના બદલે તેને દુરસ્ત કરવા વિશે વિચારો. અમેરિકન પ્રમુખ બાઇડેને તંત્રને સૂચન કર્યું છે કે વધતા ટ્રાફિકનો ઉકેલ શોધવા રસ્તા પહોળા કરવાના બદલે બીજા ઉપાય કરવા જોઇએ.
આ વૈકલ્પિક ઉપાયોના પ્રયાસની પણ અસર થઇ છે. કેલિફોર્નિયાના શહેર લોસ એન્જલસમાં ગયા વર્ષે રૂટ 710ના વિસ્તરણની યોજના રદ કરી દેવાઇ હતી. પર્યાવરણ એજન્સીએ કહ્યું છે કે રસ્તા પહોળા કરવાની યોજના કેન્દ્રીય સ્વચ્છ હવા કાયદા વિરુદ્ધ છે. હાઇવે પહોળા કરવાથી વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે, જેનાથી સ્થાનિકોને હાનિ પહોંચે છે. લોસ એન્જલસ કાઉન્ટીના મુખ્ય યોજના અધિકારી જેમ્સ ડી લા લોજા કહે છે કે અમે હવે રસ્તા પહોળા કરવાને સારો વિકલ્પ નથી માનતા.