દેશના ઓટો સેક્ટર માટે ફેબ્રુઆરી મહિનો લાભદાયી નિવડતા મારુતિ સુઝુકી ઇન્ડિયા, હ્યુંન્ડાઇ, તાતા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ મજબૂત વેચાણ નોંધાવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં 3.35 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાયું છે. ફેબ્રુઆરી 2022ની તુલનાએ વાહનોના વેચાણમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી દરમિયાન તે સર્વાધિક વેચાણ રહ્યું હતું.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાનું વેચાણ પણ ફેબ્રુઆરીમાં 11 ટકા વધીને 1,55,114 યુનિટ્સ રહ્યું છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1,40,035 યુનિટ્સ રહ્યું હતું. મારુતિએ ચાલુ નાણાકી વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરીમાં વાહનોનું કુલ વેચાણ વધીને 35.5 લાખ થયું છે જે અગાઉના સમાન સમયગાળા દરમિયાન 27.47 લાખ યુનિટ્સ હતું.
આ નાણાકીય વર્ષ દરમિયાન 15.08 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે જેમાં 12.27 લાખની તુલનાએ 23 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. બેન્કો અને અન્ય એનબીએફસી દ્વારા વ્યાજદરની અસર કેટલાક અંશે નવી કારની માંગ પર પણ જોવા મળી છે. કંપનીની ઓર્ડર બૂક પણ 3.69 લાખ યુનિટ્સ હતી જેમાં 94,000 બુકિંગ સાથે અર્ટિગા ટોચ પર છે.