ગુજરાત સાથે ટાટા ગ્રુપના ઐતિહાસિક સંબંધોએ નવી દિશા પકડી છે કારણ કે આ ઉદ્યોગસમૂહે રાજ્યમાં તેના જોડાણને વધુ ઊંડું બનાવ્યું છે અને આ અતૂટ સંબંધમાં એક નોંધપાત્ર પગલું ભર્યું છે. મીઠાપુરમાં મીઠાના અગરથી માંડીને ધમધમતા અમદાવાદ શહેર સુધી ટાટાનું નામ ઉદ્યોગ અને પ્રગતિ સાથે એકઅવાજે લેવાય છે.
હવે, ધોલેરામાં અત્યાધુનિક સેમીકંડક્ટર પ્લાન્ટ માટેની યોજનાઓ જાહેર કરતા ગુજરાતમાં ટાટાનો વારસો ડિજિટલ યુગમાં પ્રવેશી રહ્યો છે. રૂ. 91,000 કરોડ (11 અબજ યુએસ ડોલર)ના રોકાણ સાથે ટાટા ગ્રુપ ધોલેરામાં મેગા સેમીકંડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યું છે. આ પહેલથી 20,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી થશે જે ટાટા ગ્રુપના ગ્લોબલ સેમીકંડક્ટર ઉદ્યોગમાં પ્રવેશને સૂચવે છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જાન્યુઆરી 2024માં 20મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખાતે સેમીકંડક્ટર ફેબ ઊભું કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
ચંદ્રશેખરને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સેમીકંડક્ટર ફેબ્રિકેશનમાં ટાટાનું સાહસ ભારતના વિવિધ ભાગોમાં પ્રગતિના ઉદ્યોગસમૂહના વારસાને વધુ સમૃદ્ધ બનાવશે. ટાટા અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સે (અગ્રતાસ) લગભગ રૂ. 13,000 કરોડના પ્રારંભિક રોકાણ સાથે લિથિયમ-આયર્ન સેલ ઉત્પાદન માટે ગિગાફેક્ટરી ઊભી કરવાના જૂન, 2023માં ગુજરાત સરકાર સાથે એમઓયુ કરાયા છે.