રાજકોટમાં રવિવારે સાંજે 7.30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. હજુ બુધવાર સુધી માવઠાની આગાહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ લોકલ ફોર્મેશનને કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારા થયા હતા. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતના ગામમાં અમીછાંટણા વરસ્યા હતા. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે મોટામાંડવા અને ગોંડલના ડૈયા ગામે કરાં પડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. જસદણ, આટકોટ પંથકમાં પણ મોડી સાંજથી માહોલ બદલાયો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પર પાણી ચાલતા થયા હતા. ખેડૂત અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યુ કે કમોસમી વરસાદથી ચણા,ઘઉં,ધાણા અને જીરુના પાકને મોટુ નુકસાન થયુ છે.