જેતલસરની સગીરાના એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ બપોરે સગીરા એકલી ઘરે હતી ત્યારે ઘરમાં ઘૂસી સગીરાને એક સાથે છરીના 36 ઘા ઝિંકી બેરહેમીથી લોહીના ખાબોચિયાંમાં ઢાળી દીધી હતી અને બહેનને બચાવવા વચ્ચે પડેલા ભાઇને પણ નરાધમે 8 ઘા મારી દીધા હતા અને એટલું જ નહીં, પોતે લોહીયાળ જંગ ખેલી નિરાંતે શેરી વચ્ચેથી ચાલતો થયો હતો.સમગ્ર ગુજરાતમાં આ ઘટનાએ ચકચાર મચાવી હતી અને આ કેસના ચુકાદાનો પરિવારજનો સહિત સહુને ઇંતજાર છે ત્યારે આજે 10 માર્ચના રોજ અદાલત આ કેસનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે.
1 વર્ષ, 11 મહિના અને 25 દિવસ એટલેકે 724 દિવસ પહેલા ગામના ઉપરકોટ વિસ્તારમાં, પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઇ રૈયાણીની પુત્રી સૃષ્ટિની કરપીણ હત્યા થઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન જેતલસરના ડેડરવા રોડ પરના ગાયત્રીનગરમાં પટેલ રહેતો આરોપી જયેશ ગિરધર જેલમાં ધકેલાયો હતો.
આ કિશોરીની હત્યાના છેક ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા હતા અને તેની તપાસ માટે સીટની રચના કરાઇ હતી.દરમિયાન અગાઉ બે ત્રણ વાર ફરિયાદી અને આરોપીઓની દલીલો બાદ કોર્ટ નિર્ણય સંભળાવી દેશે તે વાતથી જેતપુરની કોર્ટ નજીક જેતલસર ગામના હજારો લોકોના ટોળાં વળી ગયા હતા. તે જ રીતે મંગળવારે પણ મોડી રાત્રી સુધી જેતપુરમાં જજ ચૌધરીની કોર્ટમાં વકીલોની દલીલો થઈ હતી, પણ અંતે આવતીકાલ તા,10 મી માર્ચે વધુ સુનાવણી મુકરર કોર્ટે કરી હતી અને આજે ચુકાદો આવે તેવી પ્રબળ સંભાવના છે.