સરકારે પ્રસ્તાવિત ડિજીટલ પર્સનલ પ્રોટેક્શન બિલ 2022 હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડની રકમ વધારીને રૂ. 500 કરોડ કરી છે. વર્ષ 2019માં જારી થયેલ ડ્રાફ્ટ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં કંપનીના વૈશ્વિક ટર્નઓવરના 4 ટકા અથવા રૂ.15 કરોડના દંડની જોગવાઇ છે.
આ બિલનો હેતુ વ્યક્તિના ડિજીટલ પર્સનલ ડેટાને એ રીતે પ્રોસેસ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં વ્યક્તિગત ગોપનીયતાના અધિકારોને રક્ષણ મળી રહે તેમજ કાયદાકીય પ્રક્રિયા માટે પર્સનલ ડેટાને પ્રોસેસ કરવામાં આવે. આ પ્રસ્તાવિત બિલ ડેટા પ્રોટેક્શન બિલને બદલે આવ્યું છે, જેને સરકાર આ વર્ષે ઓગસ્ટમાં પરત ખેંચ્યું હતું.
પ્રોટેક્શન બોર્ડ ઑફ ઇન્ડિયાનો પણ પ્રસ્તાવ છે જે બિલની જોગવાઇ અનુસાર કામ કરશે. જો કોઇ વ્યક્તિ કે કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાય તો તેને સાંભળવાની એક તક આપવામાં આવશે અને ત્યારબાદ પણ જો યોગ્ય લાગે તો શેડ્યુલ 1 અનુસાર તેમાં રૂ.500 કરોડ સુધીના દંડની જોગવાઇ છે. ડેટા પ્રોસેસરની વિરુદ્વ પણ દંડ ફટકારવામાં આવશે. જેમાં કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ડેટા પ્રોસેસર જો ફ્રોડના કેસમાં વ્યક્તિગત ડેટાને સુરક્ષિત ન રાખી શકે તો તેની વિરુદ્વ રૂ.250 કરોડના દંડની જોગવાઇ છે.