નાણાકીય વર્ષ 2023 સુધીમાં ભારતીય બેન્કોની ગ્રોસ એનપીએ 90 બેસિસ પોઇન્ટ ઘટીને 5 ટકાથી પણ નીચલા સ્તરે પહોંચી જશે અને 31 માર્ચ, 2024 સુધીમાં 4%થી પણ નીચેના સ્તર સાથે દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચશે તેવો અંદાજ એસોચેમ-ક્રિસિલ રેટિંગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કોવિડ મહામારી બાદ અર્થતંત્રમાં રિકવરી તેમજ ઉચ્ચ ક્રેડિટ ગ્રોથને કારણે બેન્કોની ગ્રોસ એનપીએ સતત ઘટી રહી છે. એજન્સી અનુસાર કોર્પોરેટ લોન સેગમેન્ટમાં સૌથી વધુ સુધારો જોવા મળશે, જ્યાં ગ્રોસ NPA 31 માર્ચ, 2018ના 16%થી ઘટીને આગામી નાણાકીય વર્ષ દરમિયાન 2% કરતાં પણ ઓછા સ્તરે રહેશે.
એસોચેમના સેક્રેટરી જનરલ દીપક સુદે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષો દરમિયાન બેન્કો દ્વારા રિસ્ક મેનેજમેન્ટ તેમજ રિકવરી બાબતે મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે જેને કારણે ખાસ કરીને સારી ક્રેડિટ પ્રોફાઇલ ધરાવતા લોનધારકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. કોર્પોરેટ એસેટ ક્વોલિટીમાં સુધારો એ ખાસ કરીને ક્રેડિટ ગુણવત્તા જેવા સૂચકાંકોને લીધે જોવા મળ્યો છે.
વર્ષ 2018થી એસેટમાં સુધારાનો ટ્રેન્ડ રહ્યો છે
RBIના ડેટા અનુસાર, માર્ચ 2022 દરમિયાન ભારતીય બેન્કોની ગ્રોસ એનપીએ 5.97% રહી હતી. ગત દાયકાની શરૂઆતથી ભારતીય બેન્કિંગ સેક્ટરની એસેટ ગુણવત્તા ખરાબ થવા લાગી હતી. જો કે 2018થી એસેટ ગુણવત્તામાં સુધારો થઇ રહ્યો છે.