કોઇ ગંભીર બીમારી કે જટિલ સર્જરીની વાત આવે ત્યારે ખાનગી હોસ્પિટલમાં જ આવી સારવાર કરવી જોઇએ, સરકારી હોસ્પિટલમાં પૂરતું ધ્યાન અપાતું હોતું નથી એવી લોકોમાં માન્યતા હોય છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ડો.તુરખિયાએ જટિલ સર્જરી કરીને મહિલા દર્દીને પીડા મુક્ત કર્યા હતા. ચારકોટ શોલ્ડર એ ખૂબજ જટિલ રોગ ગણવામાં આવે છે. જેમાં દર્દીના ખભાનું હલનચલન બંધ થઇ જાય છે, રોજિંદા જિંદગીમાં તેને ખૂબ તકલીફ પડે છે. આ રોગ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. એક મહિલા દર્દી આવા રોગ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા.
ફરજ પરના ડો.જય વસંતભાઇ તુરખિયાએ મહિલા દર્દીને તપાસ્યા હતા અને મહિલાને ચારકોટ શોલ્ડર હોવાનું નિદાન થયું હતું. મહિલા જ્યારે ડો. તુરખિયાને મળ્યા ત્યારે તે ખૂબજ પીડા અનુભવી રહ્યા હતા. આ મહિલા અને તેના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં અગાઉ તપાસ કરી હતી તો આ રોગની સર્જરી માટે રૂ.6થી 7 લાખનો ખર્ચ થશે તેવું બજેટ તેમને કહેવામાં આવતા મહિલા દર્દીના પરિવારની હાલત કફોડી બની હતી.
મહિલા દર્દીનો પરિવાર આર્થિક સક્ષમ નહોતો. આ માટે ખભાનો સાંધો ખરીદવો તેમના માટે શક્ય નહોતો. મહિલા દર્દી અને તેના પરિવારે પોતાની સ્થિતિ જણાવતા ડો.તુરખિયાએ તબીબી અધિક્ષક સહિતનાઓ સમક્ષ આ કેસની વાત કરી હતી અને સિવિલ હોસ્પિટલમાંથી આ જોઇન્ટ પૂરો પડાશે તેવી તબીબી અધિક્ષકે ખાતરી આપી હતી.