8 માર્ચ એટલે કે આજનો દિવસ દેશ તથા દુનિયામાં મહિલા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું ભરૂચની એક એવી મહિલાની કે જેમણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના મહામારી દરમિયાન આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પરિવારને મદદરૂપ થવા તેમણે સ્કૂલવાન ચલાવવાનું શરૂ કરી પરિવારના ગુજરાનની ગાડીનું સ્ટિયરીંગ સંભાળ્યું છે.
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આરતીબેન પટેલ ખાસ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમ્મર તોડી નાખી હતી. લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીઓમાં મુકાયા હતા. મારા પતિ પણ સ્કૂલવાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. જેથી પતિને મદદ રૂપ થવા તેમની પાસેથી ફોરવીલ ગાડી શીખીને આજે સ્કૂલવાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું. તેઓ આજે મારથી ખૂબ ખુશ છે તેઓ એક મહિલા હોય વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કુલમાં મોકલતા ગભરાતા નથી.