મોરબીમાં ઝૂલતા પુલ પર સર્જાયેલી દુર્ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં છે. હોસ્પિટની અંદર અત્યારે હાલ ખૌફનાક નજારો જોવા મળી રહ્યો છે. ક્યાંક મૃતદેહોની લાઈનો લાગી રહી છે, તો ક્યાંક ઈજાગ્રસ્તો કણસી રહ્યા છે.
એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી રહ્યાં છે. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દર્દીઓની સારવાર માટે લાગી ગયો છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલથી 5 ડોક્ટર અને 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.