ભારતીય શેરમાર્કેટમાં તહેવારોના સમયમાં ડિસ્કાઉન્ટની ઓફર ચાલી રહી છે. વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરના પ્રથમ બે સપ્તાહ દરમિયાન રેકોર્ડ 10 અબજ ડોલરની વેચવાલી કરતાં માર્કેટમાં સન્નાટો છવાઇ ગયો છે. જોકે, સ્થાનિક ફંડોએ પણ સામે 9 અબજ ડોલરની ખરીદી કરીને મોટા કરેક્શન થતુ અટકાવવાના પ્રયાસ કર્યા છે. કોર્પોરેટ અર્નિંગ અત્યાર સુધી મિશ્ર રહી છે અને તેને કારણે પણ બજારમાં ફોલોઅપનો અભાવ છે.
આને કારણે મહત્ત્વના બેન્ચમાર્ક સપોર્ટ લેવલની નીચે ગબડ્યા બાદ અથડાઈ રહ્યા છે. મિડ અને સ્મોલ કેપ શેરોમાં ફંડોના ખરીદીના ટેકો રહેવા છતાં સ્થાનિક રોકાણકારોમાં વધેલી સાવચેતીને કારણે શેરોમાં વેચવાલીનું ભારણ જોવા મળે છે. સેન્સેક્સ સવારના સ્થિર ખુલીને સાધારણ સુધરી 81,770 થયા બાદ વૈશ્વિક નબળા પ્રવાહ અને એફપીઆઇની વેચવાલીના ભારણ હેઠળ 80,811 સુધી ગબડતાં ઇન્ટ્રા ડેમાં 960 પોઇન્ટ સુધી નીચે સરક્યા બાદ પાછળથી શોર્ટ કવરિંગ અને પોઝિટીવ સમાચારોની પાછળ રિકવર થઈ છેલ્લે સાધારણ 73.48 પોઇન્ટ ઘટી 81,151.27 બંધ રહેતાં 81,000ની સપાટી ટકાવી રાખવામાં સફળ રહ્યો હતો. જોકે, નિફ્ટી 24,800ની સપાટી ટકાવી શકી નહોતી.
બેન્કિંગ શેરો કેન્દ્રમાં રહ્યા હતા, જ્યાં બેતરફી વધઘટનો માહોલ હતો. ફ્ટીમાં તાતા કન્ઝયુમર, કોટક બેન્ક, બજાજ ફિનસર્વ, બીપીસીએલ, ઇન્ડ્સઇન્ડ બેન્ક જેવા શેરોમાં 3 ટકાથી સાત ટકા સુધીના ઘટાડો હતો. વધુમાં સેબીના પગલાંને કારણે બજારમાં મોટી પોઝિશન કરવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે. બ્રેડથ નબળી રહી વધનાર 1122 શેરો સામે 2915 ઘટનાર શેરો હતા.