BJPએ ગુરુવારે કહ્યું હતું કે, અદાણી ગ્રુપ વિરુદ્ધ USના કેસમાં નામ આપવામાં આવેલા ચાર રાજ્યોમાં ભાજપની સરકાર નથી. કોંગ્રેસ છત્તીસગઢમાં સત્તા પર હતી અને તેની સાથી પાર્ટી તમિલનાડુમાં સત્તા પર હતી. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીની છબીને કલંકિત કરી રહ્યા છે. તેમણે 2019માં રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગવી પડી હતી.
હકીકતમાં ગુરુવારે જ રાહુલ ગાંધીએ અમેરિકામાં ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અદાણીજી 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અને બહાર ફરે છે કારણ કે પીએમ મોદી તેમની સુરક્ષા કરી રહ્યા છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં ગુના આચર્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધબી બુચ સામે કેસ થવો જોઈએ.
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન (આશરે રૂ. 2200 કરોડ)ની લાંચ ચૂકવી અથવા આપવાનું આયોજન કર્યું હતું. આરોપ છે કે ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં પાવર કંપનીઓ સાથે કરાર કરવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી.