કોડીનારનાં ડોળાસા ગામે સાડાત્રણ કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થયું હતું. અને બે વર્ષથી સામુહિક આરોગ્ય કેન્દ્ર શરૂ છે. અહીંયા સુવિધાઓ ન હોય જેથી માજી સરપંચ જેઠાભાઈ મોરી, પંચાયતના સદસ્ય કાદુભાઈ ડોડીયા, વિજયભાઈ પરમાર સહિતના ઈન્ચાર્જ મેડિકલ ઓફીસર વિજયભાઈ ઉરવ પાસે રજૂઆત કરવા ગયા હતા. બાદમાં હોસ્પિટલના ઉપરના ભાગે નિરીક્ષણ કરવા જતા ચોંકી ઉઠ્યા હતા. કારણ કે અહીંયા પાંચ રૂમમાં દવાનો જથ્થો જોવા મળ્યો હતો.
જેમની તપાસ કરતા આ તમામ દવાની તારીખ વિતી ચૂકી હોવાનું બહાર આવ્યું હતું. આશરે એક કરોડથી વધુનો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને વધુમાં મળતી વિગત મુજબ આ દવા સારવાર માટે આવતા દર્દીઓને નિ:શુલ્ક આપવાની થતી હોય છે. જે હવે નકામી થઈગઈ છે.
આટલો દવાનો જથ્થો મળી આવતા આગેવાનો પણ વિચારતા થઈ ગયા હતા. ત્યારે સવાલ એ થાય કે હોસ્પિટલની દેખરેખની જેમની જવાબદારી હશે. એ અધિકારીના ધ્યાનમાં કેમ આ દવાનો જથ્થો ન આવ્યો તેમજ જરૂરિયાતથી વધુ મંગાવી લેવાઈ હતી કે, દર્દીઓને નિશુલ્ક અપાતી જ ન હતી. એ પણ એક તપાસનો વિષય બની રહેશે.