દેશભરમાં લોકોની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. એક કરોડથી વધુની વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા 2.20 લાખથી વધુ લોકો છે. જે માત્ર છેલ્લા 10 વર્ષમાં આવા લોકોની સંખ્યા પાંચ ગણી વધી છે. મહત્વની વાત એ છે કે એક કરોડથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા માત્ર ત્રણ વર્ષમાં એક લાખ વધી છે. દેશમાં ધનિકોની સંખ્યામાં ઝડપથી વધારો થવા પાછળ ઘણા કારણો સામે આવ્યા છે.
અર્થશાસ્ત્રીઓ, ટેક્સ નિષ્ણાતો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જણાવ્યા અનુસાર,આ બાબતોમાં સૌથી મોટા કારણોમાં તાજેતરના વર્ષોમાં શેરબજારમાં આવેલી તેજી, સ્કિલ લોકોના પગારમાં વધારો, પસંદગીની કંપનીઓ માટે મજબૂત નફો અને ટેક્સ નિયમોમાં ફેરફાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ભૂતપૂર્વ અધ્યક્ષ આર પ્રસાદે કહ્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે કોવિડના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ઘટાડો થયો હતો. જે બાદ પેન્ડિંગ ડિમાન્ડ બહાર આવી હતી. તેના કારણે ઘણી મોટી કંપનીઓએ આકર્ષક પ્રદર્શન કર્યું છે જેના કારણે શેરબજારમાં તેજી રહી હતી.