મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. થોડાં ક્ષેત્રમાં પંચાંગ ભેદના કારણે આ વ્રત 7 સપ્ટેમ્બર, બુધવારના રોજ પણ કરવામાં આવશે. આ તિથિએ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 6 સપ્ટેમ્બરના રોજ અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે એકાદશી, મંગળવાર, ગણેશ ઉત્સવનો યોગ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની 11મી તિથિને પરિવર્તિની, જલઝૂલની અને ડોલ અગિયારસ કહેવામાં આવે છે.
હાલ ભગવાન વિષ્ણુના આરામ કરવાનો સમય ચાલી રહ્યો છે અને પરિવર્તિની એકાદશીએ વિષ્ણુજી પડખું ફરે છે એવી માન્યતા છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશી વ્રત કરવાથી વિષ્ણુજીની કૃપા મળે છે અને ભક્તોના બધા દુઃખ દૂર થાય છે.