ભાવિન પટેલ કૌભાંડી કેપ્ટન અજય ચૌહાણ સામે એક વર્ષ બાદ એસીબીએ પણ ગુનો નોંધી તપાસનો સકંજો વધુ મજબૂત બનાવ્યો છે. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયેલા કેપ્ટન અજય ચૌહાણે થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર અને ગુજસેલને સત્તાવાર રાજીનામંુ આપી દીધું હતું. જોકે રાજીનામું રાજ્ય સરકારે સ્વીકાર્યું ન હોવાની જાણકારી છે. હવે એસીબીમાં ફરિયાદ દાખલ થતાં જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજીનામું સ્વીકારાશે નહીં.
હાલમાં તે ભૂગર્ભમાં છે. અત્રે નોંધનીય છે કે, કેપ્ટન અજય ચૌહાણ પાસે અમેરિકાના વિઝા પણ છે. એટલે હાલમાં તેઓ અમેરિકામાં વેકેશન પર હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કેપ્ટન અજય ચૌહાણ રાજીનામું આપ્યા બાદ સ્વીકારાઈ જાય તો તેની પાસે અમેરિકાના પણ વિઝા હોવાથી તે દેશ છોડી ભાગવાના ફિરાકમાં હતો. પરંતુ સરકારે એક વર્ષ બાદ તેની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કર્યો છે. જાણકારી પ્રમાણે, તેનો પાસપોર્ટ હજુ સુધી જપ્ત થયો નથી. જેથી કેપ્ટન ગમે ત્યારે ભાગી જાય તેવી પણ શક્યતાઓ છે. એવી ચર્ચા પણ છે કે ચૌહાણ સામે લુક આઉટ નોટિસ ઇસ્યુ થવી જોઈએ. જેથી કરોડોની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાય તો તે ભારત છોડી શકે નહીં. આ અંગે ગુજસેલનાં સીઈઓ પારુલ મનસત્તાનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.